આ ચિત્રમાં પવિત્ર મા મરિયમ અને પ્રભુ ઇસુનું સમગ્ર જીવન આવરી લેવામાં આવ્યું છે. ઇ.સ. ૧૪૯૯માં તેનો પ્રચાર સૌ પ્રથમ ગ્રીસના ક્રીટ નામના ટાપુમાં થયો. ત્યાંથી તેને રોમના સંત માથીઆસના દેવળની મુખ્ય વેદી પર મૂકવામાં આવ્યું. ગ્રીસમાં તેને 'દેવદૂતોની માતા મારિયા' તરીકે વર્ણવવામાં આવતું. ત્યાર પછી રોમમાં તે "નિત્ય સહાયક માતા" તરીકે ખ્યાતિ પામ્યું. ઇ.સ. ૧૭૯૮માં સંત માથીઆસનું દેવળ નાશ પામ્યું અને આ ચિત્ર વિસરાઇ ગયું. પરંતુ ૬૮ વર્ષ બાદ આદરણીય વડાધર્મગુરુની ખાસ આજ્ઞાથી તેને રીડેમ્પ્ટોરીસ્ટ ફાધરોની દેખરેખ નીચે મૂકવામાં આવ્યું અને તેઓએ તેનો જોરશોરથી પ્રચાર કર્યો.
આપણા ભારતમાં એનો પ્રચાર સૌ પ્રથમ સોળમી સદીમાં ગોવામાં થયો. અને મુંબઇના મનોરી ટાપુમાં આવેલા એક દેવાલયમાં ઇ.સ. ૧૫૯૫ની સાલમાં તે ચિત્રને “નિત્ય સહાયક માતા મરિયમ” ના નામે સ્થાપન કરવામાં આવ્યું હતું.
ઈ.સ. ૧૯૪૮માં રેવ. ફાધર એડવર્ડ પ્યાસીયુસ યુરોપની સફરેથી પાછા ફર્યા ત્યારે રોમમાં આવેલા મૂળ ચિત્રને આશીર્વાદિત કરીને મુંબઈ લઇ આવ્યા અને માહિમના સંત માયકલના દેવાલયમાં તેની સ્થાપના કરી. અને ઇ.સ. ૧૯૪૮ના સપ્ટેમ્બરની ૮મી તારીખે બુધવાર હતો અને તે જ દિવસે પવિત્ર મા મરિયમની જન્મતિથિનો શુભ પ્રસંગ પણ હતો. ભક્તિની શુભ શરૂઆત તે જ દિવસથી કરવામાં આવી. તે દિવસથી આજ દિન સુધી દિનપ્રતિદિન લોકોની શ્રધ્ધા અને માન તેના પ્રત્યે વધતાં ગયાં. અને દર બુધવારે બિનખ્રિસ્તીઓ પણ આ ભક્તિમાં ખૂબ શ્રધ્ધાપૂર્વક ભાગ લે છે અને પ્રાર્થનાનું પુણ્ય મેળવે છે. તેના અસંખ્ય પુરાવાથી ગુજરાતમાં ગુજરાતી શ્રધ્ધાળુઓ પણ આ કૃપાદાન મેળવી શક્યા છે.
આ ચિત્રમાં ચાર મુખ્ય આકૃતિઓ છેઃ માતા મરિયમ, બાળ ઇસુ, અને બંને બાજુ એક એક દેવદૂત.
- આ ચારે આકૃતિઓમાં પવિત્ર માતા મરિયમ મુખ્ય છે. તેમની સૌમ્ય મુખાકૃતિ આપણા સૌનું ધ્યાન આકર્ષ્યા વિના રહેતી નથી. તેમની કરુણા ઝરતી પવિત્ર આંખો નિર્મળ અને પ્રેમાળ ભાવ પ્રગટ કરે છે. તેમના મુખારવિંદ ઉપર અદ્ભૂત તેજ છે, દૈવી શાંતિ છે, તેમના બીડાયેલા હોઠ જાણે કે તેમના હૃદયની ઇચ્છાશક્તિની મક્કમતા દશ વી રહ્યા છે. જ્યારે તેમનો લંબાવેલ હાથ સૌને રક્ષણ આપવાની બાંહેધરી આપતો, નિત્ય સહાય આપવાની ખાતરી આપે છે. તેમની વાદળી ઓઢણી સત્યનું પ્રતીક છે. જ્યારે તેમના મસ્તક ઉપરનો આઠ પાંખડીવાળો તારો ધ્રુવના તારાની માફક સંસાર-સાગરમાં ભૂલાં પડેલાં માનવ નાવિકો અને યાત્રાળુઓ માટે માર્ગદર્શકરૂપ છે, તે દર્શાવે છે. તેમનો સુવર્ણ મુગટ તેમને મળેલ અવિનાશી મુગટનું પ્રતીક છે. તેમણે ધારણ કરેલ લાલ ઝભ્ભો માતૃત્વનું પ્રતીક છે. સોનેરી રંગ એ તેમની આસપાસના પવિત્ર અને શુદ્ધ વાતાવરણનું પ્રતીક છે.
- બાળ ઇસુની પ્રતિમામાં તેમનું મ્હોં, ગાબ્રિએલ મહાદૂતના હાથમાં વેદનાનાં સાધનો ફરૂસ અને ખીલાઓ તરફ ફરેલું છે. આ સાધનો જોઇ તેઓ ગભરાઇ ગયા છે. અને બીકથી તેઓ પવિત્ર મા મરિયમના હાથને રક્ષણ માટે વળગી પડ્યા છે. અને તેમના પગનું એક ચંપલ સરી પડતું જણાય છે. છતાંય તેઓએ પોતાના ઉપરનો કાબૂ ગુમાવ્યો નથી. તેમણે પોતાનું મ્હોં ફેરવી લીધું નથી કે ચંપલને નીચે સરી જવા દીધું નથી. આ જ રીતે એમણે સઘળાં પરીક્ષણો મધ્યે આપણા તારણનું કાર્ય સંપૂર્ણ રીતે પૂરું કર્યું.
- ચિત્રની ડાબી બાજુ, જે તરફ પ્રભુ ઇસુની નજર છે, તે તરફ મહાદૂત ગાબ્રિએલ પ્રભુ ઇસુની પીડાનાં હથિયારો - કફ્રૂસ અને ખીલા હાથમાં લઇને આવતા જણાય છે. દેવદૂતે જે લાલ ઝભ્ભો પહેર્યો છે તે તેમની પવિત્રતાનું પ્રતીક છે અને લીલા રંગની પાંખો એ શાંતિનું પ્રતીક છે.
- ચિત્રની જમણી બાજુ મહાદૂત મિખાયેલ હાથમાં સરકાનો વાટકો, એક ભાલો અને એકસોટી ઉપર વાદળી લટકાવેલી લઇને આવતા જણાય છે. આશ્ચાસનનાં આ પ્રતીકો છે. અને તારણનું કાર્ય સમાપ્ત થયું છે, એમ એ બતાવે છે.
આ ચિત્રમાં ગ્રીક ભાષામાં ચાર શબ્દો લખેલા છે, પ્રથમ 'MP' છે. તે માતાના શબ્દનો પહેલો અને છેલ્લો અક્ષર છે અને 'OY' એ ઇશ્વરના શબ્દનો પહેલો અને છેલ્લો અક્ષર છે. આમ "MPOY" સાથે લેતાં “ઇશ્વરનાં મા” એવો અર્થ થાય છે. આ ઉપરાંત દેવદૂતોના માથા ઉપર પણ એક એક શબ્દ લખેલો છે. ડાબી તરફના મહાદૂત મિખાયેલના માથા ઉપર "OAPM" એમ ચાર અક્ષરો છે. જેનો અર્થ મિખાયેલ મહાદૂત થાય છે. જ્યારે જમણી બાજુ મહાદૂત ગાબ્રિએલના માથા ઉપર "OAPF" નો અર્થ મહાદૂત ગાબ્રિએલ એવો થાય છે.
ચિત્રની ભૂમિકા સોનેરી રંગની છે. સોનું એવી ધાતુ છે કે જે અનેક ક્સોટીઓમાંથી પસાર થઇને શુદ્ધ ધાતુ તરીકે બહાર આવે છે. અને પછી તેના ઉપર કોઇ ડાઘ લાગતો નથી. તેના સ્વરૂપમાં ફેરફાર થતો નથી. એવી જ રીતે માતા મરિયમ, બાળઇસુ અને મહાદૂતોનાં જીવન પણ અનેક કસોટીઓમાંથી શુદ્ધ થયેલાં છે. તેમાં પવિત્રતા, સહનશીલતા, ગંભીરતા સમાયેલી છે, એમ આ સોનેરી રંગની ભૂમિકા દર્શાવે છે.